tg-me.com/DivyaBhaskar/36305
Last Update:
રાગ બિન્દાસ:ખામોશ! રમૂજ ના કરીઓ કોઇ
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/shut-up-dont-make-fun-of-anyone-134780529.html
ટાઈટલ્સ: સત્તા સામે ‘સેન્સ ઓફ હ્યુમર’ નકામી! (છેલવાણી)
તાનાશાહી રાજવાળા રશિયામાં એક જોક પ્રચલતિ હતો કે ત્રણ મિત્રો હોટલમાં ચિંતિત બેઠાં છે. એમાંના એકે કહ્યું,‘અરરરરરર...’
બીજો બબડયો:‘છી છી છી...’ અને ત્રીજો બોલ્યો,‘ઓહ નો...’
…એટલામાં તો પોલીસવાળો આવીને બરાડ્યો, ‘હેન્ડસઅપ! જાહેરમાં સરકારની ટીકા કરશો તો ફાંસી થશે!’ દુનિયાનો કોઇ સત્તાધારી ખુદ પર કે સત્તા પર હસવાનો હક નથી આપવા માગતો. આપણે ત્યાં તો બોલવા–લખવાની ઘણી આઝાદી છે પણ તોય કોઇ પણ સરકારની કે નેતાની ખિલાફ જોક મારનાર કલાકારના અવાજને દરેક સત્તા, અંદરખાને દબાવવા ચાહે જ છે.
હમણાં કોમેડિયન કુણાલ કામરાની અળવીતરી રાજકીય રમૂજથી હંગામા હો ગયા. કામરાએ છેક છ મહિના અગાઉ એક સ્ટેન્ડ–અપ શોમાં ફિલ્મી ગીત પરથી મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી શિંદેજીને ‘ગદ્દાર’ કહેલું પેરોડી કે રમૂજી ગીત ગાયેલું.
હવે મહિનાઓ અગાઉ જ્યાં શો થયેલો એ સ્ટુડિયોમાં રાજકીય ગુંડાઓએ તોડફોડ કરીને કામરાને બહાર કાઢવા ધમાલ મચાવી! (એક્ચ્યુઅલી આ જ એક જોક છે કે કામરાની આઇટમ કંઇ લાઇવ ટેલિકાસ્ટ નહોતી! એ તો યૂ–ટ્યૂબ પર મુકાયેલી કિલપ હતી, જે ગુંડાઓને ના સમજાયું!) જોકે અમે કામરાના કે કોઇપણ સ્ટેન્ડઅપ કોમેડીયનની વ્યક્તિ પરની કે અશ્લીલ રમૂજની તરફેણમાં નથી… પણ વાત રાજકીય વ્યંગ, કલાકાર કે નાગરિકની બોલવા–લખવાની આઝાદીની કરવી છે.
આપણા હાસ્યકાર જ્યોતીન્દ્ર દવેએ રમૂજી પુસ્તક લખેલું: ‘રસિયાના દેશમાં’ ને ત્યારની અંગ્રેજ સરકારને લાગ્યું કે ‘રશિયા’ દેશ વિશે ખતરનાક પુસ્તક છે એટલે દવેસાહેબ પર ઇન્ક્વાયરી બેઠેલી! અંગ્રેજ સલ્તનતથી લઇને આજની સિસ્ટમ સુધી કઇં બદલાયું છે?
એક સરકારી ઓફિસમાં ટેબલ પર પગ ચઢાવીને જુવાન છોકરો છાપું વાંચી રહ્યો છે જેમાં પહેલા પાને ‘સગાવાદ’ કે ‘નેપોટિઝમ ‘ વિશે સમાચાર છે… બાજુમાં મિનિસ્ટરજી બેઠા છે. પેલો જુવાનિયો, મિનિસ્ટરને પૂછે છે,‘કાકા કાકા, આ ‘સગાવાદ’ શું છે? આપણે ત્યાં આવું ચાલે?’ અને મિનિસ્ટરના ચહેરા પર અજીબ ભાવ છે! પાછળ દીવાલ પર ગાંધીજીનો ફોટો છે ને બારીમાંથી કોમનમેન જોઇ રહ્યો છે! આર. કે. લક્ષ્મણનાં આવા સચોટ કાર્ટૂનોને લીધે જ લોકશાહીની ખરી મજા છેને?
2022માં મરાઠી અભિનેત્રી કેતકી ચિતળેએ ‘ફેસબુક’ પર એન. સી. પી. નેતા શરદ પવાર પર તીખી પોસ્ટ મૂકેલી ત્યારે કેતકીએ એક મહિનો જેલમાં સબડવું પડેલું. 2019માં પ.બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પ્રિયંકા શર્મા નામની છોકરીને જેલમાં પૂરેલી કારણકે એણે અભિનેત્રી પ્રિયંકા ચોપરાના ફોટા સાથે છેડછાડ કરીને મમતાજીનો ચહેરો ચિપકાવેલો! જેલમાંથી છૂટવા સુપ્રીમ કોર્ટ પ્રિયંકાએ સુધી લડવું પડેલું ને સુપ્રીમ કોર્ટે માફી મગાવેલી!
ઇનશોર્ટ, સત્તાની ચાબુક વાપરવામાં સહુ પાવરફુલ સરખા પાવરધા છે.
ઇન્ટરવલ
લોહીમાં નવાણિયું અજવાળું તોડી
ફૂટી નીકળ્યો પરપોટાનો બેટ (મૌન બલોલી)
મે, 2020માં એક પત્રકારે સરકાર વિશે ટિપ્પણી કરેલી તો એના પર દેશદ્રોહનો આરોપ લગાડીને એરેસ્ટ કરવામાં આવેલો! એ જ રીતે અગાઉ પણ તામિલનાડુમાં, બંગાળમાં પોલિટિકલ કાર્ટૂન માટે સરકારે ધરપકડ કરાવેલી છે.
કાર્ટૂનિસ્ટનો ગુનો શું? તો એની કટાક્ષકળા! કાર્ટૂનિસ્ટની પીંછી તલવારથી વધુ ધારદાર હોય છે. એ સત્તાની જોહુકમી સામે પ્રજાના અવાજની સાઈલન્ટ બુલેટ છે. સચોટ કાર્ટૂનમાં સસ્તી હ્યુમરનાં ગલગલિયાં નહીં, પણ સેંકડો અશ્વોની હણહણાટી હોય.
દરેક પ્રજામાં ચાટુકાર લેખકો-પત્રકારો થોકના ભાવે મળે પણ વ્યંગ્યકાર ભાગ્યે જ હોય. માટે જ રશિયામાં તાનાશાહીમાં કાર્ટૂનિસ્ટોને મોટમોટાં તંત્રી કે પત્રકારો કરતાં વધારે પૈસા મળતા!
હિંદી વ્યંગ્યકાર હરીશંકર પરસાઈ કહે છે: ‘વ્યંગ્ય, આપણી ચેતના પર આધાત પાડે છે. વનમહોત્સવનું આયોજન કરવા માટે હજારો વૃક્ષ કાપવામાં આવે અને ત્યાં એક મંત્રી મહોદય ગુલાબની કલમ રોપે-એમાં એક વિચિત્રતા છે એટલે જ એમાં રમૂજ છે ને એ જરૂરી છે.’ કામરા કે કોઇ પણનાં વ્યંગ્ય, રમૂજ કે કાર્ટૂનથી નેતાઓ કે સમાજ સુધરી જશે એવો ભ્રમ કોઇ કલાકારને હોતો નથી, પણ સહેજ બદલાવ આવી શકે કે તાનાશાહની જાડી ચામડીમાં નાજુક કંપન આવે તોય ઘણું છે.
ઇતિહાસમાં જે જે શાસકે કલમ કે પીંછીને રોકવા ધારી છે એણે પોતાનાં હાથે પોતાનો મૃત્યુલેખ લખ્યો છે. હિટલરને ખબર નહોતી પણ નેહરુને ખબર હતી એટલે આર. કે. લક્ષ્મણ કે શંકર જેવા કાર્ટૂનિસ્ટોને પૂછતા,‘આજકાલ તમે મારાથી નારાજ છો? મારું કાર્ટૂન કેમ નથી બનાવતાં?’
1975ની ઇમરજન્સીમાં સમાચાર સામે પાબંદી હતી પણ લક્ષ્મણના કાર્ટૂન સામે સરકારી તંત્ર લાચાર હતું, કારણ કે દરેક કાર્ટૂનમાં કે વ્યંગ્યમાં કરુણતા અને સત્ય છુપાયેલાં હોય છે.
BY Divya Bhaskar
Warning: Undefined variable $i in /var/www/tg-me/post.php on line 283
Share with your friend now:
tg-me.com/DivyaBhaskar/36305